12/3/18

મધમાખી ઉછેરનો વ્યવસાય-"જાણો સિક્કાની બીજી બાજુ."મધમાખી ઉછરે 
 • "ગુજરાતમાં ઘણા લોકો મધના વ્યવસાય કરતા મધમાખીના વ્યવસાયમાં વધુ રસ લઈ રહ્યા છે."
 • હું 2012 થી મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલો છું આટલા વર્ષોમાં ઘણી વાતો નજર સામે આવી છે જે નવા મધપાલક કે મધમાખી ઉછેરમા પ્રવેશવા ઇચ્છતા વ્યક્તિએ જાણવી જરૂરી છે.
 • વર્તમાન સમયમાં ભારતભરમાં લાખો નવયુવાનો અને ખેડૂતોની આશભરી નજર મધમાખી ઉછેરના વ્યવસાય તરફ છે જેમાં માનનીય પ્રધાનમંત્રી મોદીજીના “સ્વીટ રિવોલુસ્યન” અભિયાનનું મોટું યોગદાન છે. અને મધમાખી ઉછેરએ વર્તમાન સમયની જરૂરિયાત છે પણ ખરા કેમ લોકોની સ્વાસ્થ્યસંબંધી, રોજગારસંબંધી અને ખેડૂતોની ફલિકરણસંબંધી ઘણી સમસ્યાઓનું સમાધાન મધમાખી પાલનમાં રહેલું છે. 
 • પરંતુ એક સિક્કાની બે બાજુ હોય એવી રીતે એક નકારાત્મક પાસું પણ વિકસી રહ્યું છે “ગુજરાતમાં લોકો મધના વ્યવસાય કરતા મધમાખીના વ્યવસાયમાં વધુ રસ લઈ રહ્યા છે” જેનો ભોગ ઉત્સાહી નવયુવાનો અને ભોળા ખેડૂતો બની રહ્યા છે. ઘણા લોકો પ્રલોભનયુક્ત અને તથ્યોવિહોણી વાતો કરી માત્ર મધમાખીઓ વેચી રહ્યા છે જેઓએ જાતે ક્યારેય વ્યવસાયિક ધોરણે મધ ઉત્પાદન કર્યું પણ નથી અથવા તો એમ પણ કહી શકાય કે એમનો વ્યવસાય જ મધપેટીઓની દલાલીનો છે.
 • મધમાખી ઉછેર અને પશુપાલનને લોકો સમાન નજરથી જોઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતા ઘણી અલગ છે. વ્યવસાયિક રીતે મધનું ઉત્પાદન એક જગ્યાએ રહીને કરવું શક્ય નથી કારણ કે એક જગ્યાએ રહીને મધમાખીઓને 365 દિવસ પુષ્કળ ફૂલો મળી રહે તેવી વ્યવસ્થા કરવી લગભગ અશક્ય છે કારણ કે 100 મધમાખીની પેટીઓ માટે લમસમ 250 વીઘા જેટલો ફૂલોવાળો વિસ્તાર જોઈએ. મધમાખીઓને બારેમાસ ફૂલો મળશે તોજ વ્યવસાયિક રીતે પોષાય એટલું મધ મેળવી શકાશે આથી જ વ્યવસાયિક મધમાખી પાલકો સમયે સમયે પેટીઓનું સ્થાન બદલાવ્યા કરે છે.
 • ગુજરાતમાં રાઈ, અજમો, વરિયાળી, ધાણા, તુવેર, રજકો, તલ, ગાંડા બાવળ અને નારીયેલી જેવા પાકો માખી માટે ઉપયોગી છે. 
 • ઘઉં, કપાસ, મગફળી, જુવાર, ડાંગર, જેવા પાકો મધમાખી માટે ઉપયોગી નથી જેની ખાસ નોંધ લેવી.
 • ગુજરાત અને ઉત્તર ભારતની ભૌગોલિક પરિસ્થિતિ ઘણી અલગ છે જેથી આપણે ગુજરાતમાં મધ ઉત્પાદન પ્રમાણમાં ઘણું ઓછું મળે છે જેના કારણોમાંવધુ તાપમાન, ગ્રીન બી ઇટર પક્ષીનું વધુ પ્રમાણ અને ખેતીમાં જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ છે.
 • મધના ભાવ વિશે પણ લોકોના મનમાં ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે જો વ્યક્તિ ઉત્પાદિત મધનું પેકીંગ કરી જાતે વેચાણ કરશે તો ગુણવતા અને માર્કેટિંગ પ્રમાણે સારા એવા ભાવ મેળવી શકશે પરંતુ હોલસેલ રેટથી ટ્રેડર્સ કે કંપનીને આપશે તો નગણ્ય ભાવોથી વેચવુ પડશે જેથી માર્કેટ વિશે જાતે માહિતી મેળવીને શરૂઆત કરવી.
 • મધમાખીની પેટી વેચનારા મોટાભાગે અતિશયોક્તિ પૂર્ણ વાતો કરતા હોવાથી પ્રોજેકટ રિપોર્ટ બનાવતા પૂર્વ યોગ્ય તાપસ કરવી જોઈએ અને લૉન કે ફાયનાન્સ કરી ને આ વ્યવસાયમાં ઉતારવું ભૂલ ભર્યું છે. શરૂઆત હંમેશા નાના પાયેથી કરવી, જાત અનુભવ મેળવી વધુ રોકાણ કરવું જોઈએ.
 • દાડમ, આંબા જેવા બાગાયતી પાકોમાં ફલિકરણ માટે મધમાખીની પેટી મુકનારા લોકોએ પહેલા મધમાખી માટે નુકશાનકારક જંતુનાશક દવાઓ વિશે પૂરતી માહિતી મેળવી લેવી જોઈએ કેમ કે મધમાખી ખૂબ સૌમ્ય કીટક(ડંખ હોવા છતાંય...!!) છે જંતુનાશકો સામે ટકી શકતી નથી. મધમાખી ઉછેરમાં નિષ્ફળ થયેલા બાગાયતી ખેડૂતોની યાદી બહુ મોટી છે.
 • મારો અંગત મત એવો પણ છે કે મધમાખી પ્રત્યે થોડો પણ લગાવ હોય તોજ આ વ્યવસાયમાં આગળ વધવું કેમ કે માત્ર આર્થિક પાસું ધ્યાનમાં લઇ ને આવનાર મધમાખીઓ ડંખથી જલ્દી ડઘાઈ જાય છે.
 • આ આર્ટીકલ ને હિન્દી માં વાચવા માટે અહી કિલક કરો http://indigenouspurehoney.blogspot.in/2018/03/blog-post_13.html

23/2/18

મધમાખીના પ્રકાર


મધમાખીઓના પ્રકાર તેમના મધપૂળા બનાવાની જગ્યાના  આધારે દર્શાવવામાં આવ્યા છે. મધમાખીનો સ્વભાવ આક્રમક છે કે શાંતિપૂર્ણ છે તેનો આધાર તે કેવી જગ્યા પર તેનો મધપૂળો બનાવે છે તેના પર છે.

૧.એપિસ ડોરશાટા લેબ્રીઓશાટા(હિમાલયન મધમાખી):
આ મધમાખીનું માથું લાલ રંગનું હોય છે. દેખાવમાં આપણી ઝેરી મધમાખી જેવી જ હોય છે. તેની લંબાઈ ૩ સેમી થી ૩.૫ સેમી જેટલી હોય છે. આ મધમાખી દુનિયાની સૌથી મોટી મધમાખી છે.

એક સામાન્ય મધપૂળા માં લગભગ ૬૦ થી ૭૦ કિલો મધ હોય છે. તેમના મધપૂળા હિમાલયની ટેકરીઓ માં ૨૫૦૦ થી ૩૦૦૦ મીટર ની ઉચાઇ જોવા મળે છે.

હિમાલયન મધમાખી

હિમાલયની પર્વતોમાં  માં પરાગવાહક તરીકે કામ કરતી એક માત્ર મધમાખીની પ્રજાતિ  છે. આ મધમાખીઓ તેના લાલ રંગ ના મધ માટે જાણીતી છે. આ લાલ રંગનું મધ થોડું નશાકારક હોય છે. જેથી તેની વિદેશો માં ઘણી માંગ છે. જાપાન, કોરિયા અને ચીન જેવા દેશોમાં આ મધની ઉચા ભાવે નિકાસ થાય છે.

આ મધમાખીનો સ્વભાવ ખુબજ આક્રમક હોવાને લીધે  તેનો ઉછેર કરી તેને સાથે  વ્યવસાયિક ધોરણે કામ કરવું શક્ય નથી.

૨. ભ્રામર મધમાખી :
 આ મધમાખી અપીસ ડોરશટા નો જ એક પ્રકાર છે. હિમાલયન મધમાખી કરતા લંબાઈ માં થોડી નાની દેખાતી આ મધમાખી સ્વભાવે ખુબજ આક્રમક છે. તેથી ઘણા લોકો તેને ઝેરી મધમાખી તરીકે પણ ઓળખે છે. મોટાભાગે તેમના પૂળા જંગલો માં ઉચા વુર્ક્ષો પર જોવા મળે છે. તે જંગલોમાં કુદરતી પરાગવાહકો તરીકે કામ કરે છે. આ મધમાખી ઇટાલિયન મધમાખી કરતા વધુ માત્રા મધનો સંગ્રહ કરે છે.

ભ્રામર મધમાખી / ઝેરી મધમાખી

આ મધમાખી વધુ આક્રમક હોવાથી તેનો ઉછેર કરવો શકય નથી.

૩. એપિસ મેલીફેરા (ઇટાલિયન મધમાખી):
 આ મધમાખી યુરોપિયન મધમાખી તરીકે પણ જાણીતી છે. એક પુખ્ત મધમાખીની લાંબાઈ ૧૦મીમી થી ૧૫ મીમી જેટલી હોય છે.

આ મધમાખીની મધપૂળો બનાવાવની રીત થોડી અલગ છે. આ મધમાખીઓના કુદરતી નિવાસસ્થાન ખેતરોની દિવાલો અને ઝાડના થડમાં જોવા મળે છે.

અપીસ મેલીફેરા- ઇટાલિયન મધમાખી

તેઓ સામાન્ય રીતે તેમના કોમ્બ્સને અંધારાવાળી જગ્યાએ બનાવે છે જે તેમને ભારે સૂર્યપ્રકાશ, વરસાદ અને અન્ય શિકારીઓથી રક્ષણ આપે છે.
આ પ્રકારના વર્તન ને લીધે ઇટાલિયન મધમાખીનો ઉછેર કરવો શકય છે. બીજી મધમાખીની સરખામણીમાં આ મધમાખી જેટલી આક્રમક નથી. તેથીજ તેમનું લાકડાની પેટીમાં સવર્ધન કરવુ સરળ છે. મધમાખી પાલકો માટે ઇટાલિયન મધમાખી ખુબ જ ઉપયોગી છે.

૪. એપીસ સેરના ઈન્ડીકા (ભારતીય મધમાખી):
આ મધમાખી ને લોકો સાતપુડી મધમાખી તરીકે ઓળખે છે. ભારતીય મધમાખીની એક વસાહત માં સાત પૂળા હોય છે. સ્વભાવમાં ઇટાલિયન મધમાખી કરતા થોડી આક્રમક હોય છે. આ મધમાખીઓ પણ એવી જગ્યાઓ મધપૂળા બનવાનું પસંદ કરે છે, જે તેમને ભારે સૂર્યપ્રકાશવરસાદ અને અન્ય શિકારીઓથી રક્ષણ આપે છે. આયુર્વેદ અનુસાર આ મધમાખી દ્વારા ઉત્પન થતું મધ પોષક તત્વ થી સભર હોય છે.

ભારતીય મધમાખી
આ મધમાખી ની એક વસાહત વર્ષ દરમિયાન લગભગ ૮ થી ૧૦ કિલો મધ ઉત્પન કરે છે. આ મધમાખી તેની વસાહતની જગ્યા થી લગભગ ૧ થી ૧.૫ કિલોમીટર સુધી અવર-જવર કરી શકે છે.

૫. એપીસ ફ્લોરિયા (વામન મધમાખી):
આ મધમાખીને લોકો પૌતિક મધમાખી તરીકે પણ ઓળખે છે. આ મધમાખી ઝાડ ઉપર અથવા છોડ ઉપર નાનો મધપુડો બનાવીને રહે છે. બીજી મધમાખીઓ ની સરખામણી માં આ મધમાખી સ્વભાવે શાંત હોય છે.
દેખાવમાં ખુબજ નાની હોવાને લીધે વર્ષ દરમિયાન ૫ કિલો જેટલા મધનો સંગ્રહ કરી શકે છે.

પૌતિક મધમાખી
આ મધમાખીનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરવો શક્ય નથી.

૬. ટ્રાયગોના એપી (સૌથી નાની મધમાખી):
ટ્રાયગોના એપી ને આયુર્વેદ અનુસાર શુદ્ર મધમાખી તરીકે ઓળખવામાં આવે છે. આ મધમાખી વિશ્વની સૌથી નાની મધમાખી છે. આ મધમાખીઓમાં રક્ષણ માટે ડંખ નથી હોતો. તેથીજ તેને સ્ટીંગ લેસબી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પોતાના રક્ષણ માટે કીડીઓ ની જેમ કરડે છે. આ મધમાખીઓ નો ઉપયોગ ગ્રીન હાઉસ માં પોલીનેશન માટે થાય છે.


શુદ્ર મધમાખી10/1/18

14/12/17

મધમાખી ઉછેરની ટ્રેનીગ
અજમા ના ખેતરમાં રાખેલા મધમાખીઓના બોક્સ
 • જો તમે મધમાખી ઉછેર માટેની તાલીમ વિષે વિચારી રહ્યા છો, તો મધ અને મધમાખી વિષેની બધી માહિતી અમે તમને આપીશું. આજનો આર્ટીકલ મધમાખી ઉછેર ની તાલીમ વિષે છે.
 • મધમાખી ઉછેર માંટે તાલીમની શું જરૂર છે?
 • કારણકે મધમાખી એવું કીટક છે કે જેના વિષે માનવજાત પછી સૌથી વધુ સાહિત્ય જોવા મળે છે. મધમાખી કોઈ સામાન્ય જીવ નથી પરંતુ એ અસામાન્ય કરતા પણ વધારે છે. જો તમે મધમાખીનો ધ્યાનપૂર્વક અવલોકન કરશો, તો તમને ખ્યાલ આવશે કે તે કુદરતે બનાવેલું સોથી ઉતમ જીવ છે. 
 • મધમાખીના જીવનનો એક માત્ર આધાર ફૂલ છે. મધમાખી માત્ર અને માત્ર ફૂલ પરથી જ  ખોરાક મેળવે છે. મધમાખીના માથાથી પગ સુધીના બધાજ અંગો તેના જીવન નિર્વાહ અને વનસ્પતિના અસ્તિત્વ માટે પાયારૂપ છે. વાસ્તવમાં માનવજાતનું અસ્તિત્વ પણ મધમાખી પર આધાર રાખે છે. ખ્યાતનામ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા કે “જો મધમાખીઓ પૃથ્વી પરથી નાશ પામેશે, તો માત્ર ચાર વર્ષોમાં, બધા જીવંત પ્રાણીઓનો અંત આવશે.”  
 • જો તમે મધમાખી ઉછેર માં સફળતા મેળવવા માંગો છો તો મધમાખીની વર્તુણક, મધમાખીની શરીર રચના અને મધમાખીને ઉપયોગી ફૂલો વિષેનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે.
 • અહી હું એક વાત સ્પષ્ટ કરવા માંગું છુ કે વ્યવસાયિક ધોરણે મધમાખી ઉછેર કોઈ એક જ જગ્યા પર રહીને કરવું એ શક્ય નથી, કારણકે ૩૬૫ દિવસ મધમાખીને અનુકુળ ફૂલો એક જ જગ્યા પર મળી રહે તે સંભવ નથી. જો તમે ખરેખર મધમાખી ઉછેર માંથી નાણાકીય ફાયદો મેળવવા ઈચ્છો છો તો ફૂલોની ઋતુ પ્રમાણે મધમાખીઓ નું સ્થાનાંતર કરવું જરૂરી છે.
 • ગુજરાત રાજ્યમાં મધમાખી ઉછેરના મારા પાંચ વર્ષના અનુભવ પ્રમાણે મને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં મધમાખીઓ ને અનુકુળ હોય તેવા ધણા પાકોનું વાવેતર થાય છે. જેવા કે ધાણા, વરીયાળી, તલ, અજમા, તુવેર, રાય, મગ, અડદ, કપાસ, બાજરી, સુર્યમુખી, વગેરે. તેમજ બાગાયતી વનસ્પતિ જેવી કે નારયેળી,બોર, સરગવો, આંબા, નીલગીર વગેરે નું પણ વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં જંગલી બાવળ તથા દેશી બાવળ પણ જોવા મળે છે. આ વિશાળ વનસ્પતિક જૈવવિવિધતા ગુજરાતમાં મધમાખી ઉછેર માટે પ્રોત્સાહન આપે છે.
 • વ્યવસાયિક ધોરણે મધમાખી ઉછેર માટે આ વનસ્પતિક જૈવવિવિધતા એક મહત્વના પરિબળ રૂપે કામ કરે છે. અમે ઇસ ૨૦૧૨ માં મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી હતી. આજે અમારી પાસે મધમાખીઓની ૫૦૦ કરતા પણ વધારે વસાહતો છે. આમારા પ્રશિક્ષિત કર્મચારીઓ નેશનલ બી બોર્ડ દ્વારા પ્રમાણિત ગુડ બિકીપીગ પ્રેક્ટીસ ને અનુસરે છે.
મધમાખી ઉછેરની તાલીમમાં નીચે પ્રમાણેના વિષયોનો સમાવેશ થાય છે.
 • મધમાખીઓ બોક્સ માં રહેલું જીવન: અમારા પ્રશિક્ષિત કર્મચારીઓ તમને મધમાખીનું જીવનચક્ર, મધમાખીઓની વર્તુણક, અને તેમની ભેગા મળીને રહેવાની રીત એટલેકે સોસીયલ નેચર સમજવા માટે મદદ કરશે
 • મધમાખીના બોક્સનું સંચાલન: મધમાખી ઉછેર માટે જરૂરી સાધન સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટેની જરૂરી માહિતી આપવામાં આવશે.
 • મધમાખી માટે જરૂરી પોષણ: જો તમે વધુ મધનું ઉપ્ત્પાદન મેળવવા ઈચ્છો છો, તો મધમાખી માટે જરૂરી પોષણની માહિતી હોવી જરૂરી છે.
 • એપીઅરી મેનેજમેન્ટ: મધમાખીના બોક્સ રાખેલા હોય તે સ્થાન એટલે અપીઅરી. મધનું ઉત્પાદન અને મધમાખીઓનો વિકાસ એપીઅરી ના સ્થાનની પસદગી પર આધાર રાખે છે.
 • મધમાખીઓના બોક્સનું સ્થાનાંતરણ: મધમાખી ઉછેર માં આ સૌથી મુશ્કેલ કામ છે. જેના માટે યોગ્ય તાલીમની ખાસ જરુરુ છે.
 • મધ અને મધમાખીઓના અન્ય ઉત્પાદનોનું વેચાણ: આમારા વેચાણ કાર્યના નિષ્ણાત તમને મધ અને મધમાખીઓના અન્ય ઉત્પાદનો વેચાણ માટે મદદ કરશે.
 • મધમાખીઓના પરાગનયનના કાર્ય નો વ્યવસાયિક ઉપયોગ: મધમાખીઓનું પરાગનયનનું કાર્ય આવકના અન્ય સ્ત્રોત ઉભો કરવા માટે સક્ષમ છે.  
 • મધમાખી ઉછેરમાં આવતી મુશ્કેલીઓનું નિવારણ: મધમાખીઓ માં થતી બીમારીઓ તેમજ અન્ય મુશ્કેલીઓના સમાધાન માટે અમારા નિષ્ણાત કર્મચારીઓ તમારી મદદ કરશે.
 • વધુ માહિતી માટે સંપર્ક કરો 
 • વિમલ વાઢેર: 09275136336
 • ડો. ધર્મેશ વાઢેર: 09033959987
 • આર્ટીકલ ને હિન્દી ભાષામાં વાંચવા માટે: http://indigenouspurehoney.blogspot.in/2017/12/blog-post.html
 • આર્ટીકલ ને અંગ્રેજી ભાષામાં વાંચવા માટે: http://indigenoussorganic.blogspot.in/2017/12/why-training-is-required-on-beekeeping.html